Thursday, November 26, 2015

અ પ્રિઝનર ઑફ બર્થ - જેફ્રી આર્ચર

ડેનિયલ કાર્ટરાઇટ (ડેની) પોતાની ગર્લફ્રેન્ડ એલિઝાબેથ વિલ્સન (બેથ)ને લગ્ન માટે પ્રપોઝ કર્યા પછી પોતાના મિત્ર અને બેથના ભાઇ બર્ની વિલ્સન તથા બેથ સાથે પબમાં સેલિબ્રેટ કરવા જાય છે, જ્યાં ચાર વ્યક્તિઓ દ્વારા બેથની છેડતી થાય છે જેથી બર્ની ગુસ્સે થઇ જાય છે. ટકરાવ ટાળવા બેથ અને ડેની સાથે બર્ની પબ છોડીને બહાર નીકળી જાય છે. પણ ચાર વ્યક્તિમાંનો એક સોલિસિટર સ્પેનસર ક્રેગ તેમનો પીછો કરે છે અને ઝપાઝપીને અંતે બર્નીને છાતીમાં ચાકુ મારીને પબમાં પાછો ભાગી આવે છે. પોતાના મિત્રને લોહીથી લથબથ જોઇને ડેની તેને બચાવવા પ્રયત્ન કરે છે પણ સ્પેનસરે ઘડેલા પ્લાન મુજબ પોલીસ આવી પહોચે છે. હોસ્પિટલ પહોચતા સુધી બર્ની મૃત્યુ પામે છે અને ડેનીની તેની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવે છે. કોર્ટમાં કેસ ચાલે છે જેમાં એલેક્ષ રેડમેને ડેની વતી લડે છે પણ સ્પેનસરે ઘડેલી યોજના મુજબ તેના મિત્રો પણ તેના તરફી ગવાહી આપે છે અને ડેનીને ૨૨ વર્ષ લાંબી જન્મટીપની સજા થાય છે. પણ ડેની પોતાની નિર્દોષતા સાબિત કરવા તત્પર હોય છે. 

જેલમાં નિકોલસ મોનક્રિફ્ટ (નિક) અને આલ્બર્ટ ક્રેન (બિગ અલ) તેના સેલમેટ બને છે. નિક જેલમાં રહીને પણ ભણતો હોય છે અને રોજ પોતાની ડાયરી લખતો હોય છે. નિકથી પ્રભાવિત થઇને ડેની પણ ભણવાનું શરૂ કરે છે અને નિક જેવો જ બનવા અને દેખાવા હમેશા પ્રયત્નશીલ રહે છે. બર્નીની હત્યા વખતે સ્પેનસરના સાથીમાંનો એક મોર્ટિમેર, જે ડ્રગ એડિક્ટ હોય છે, તે ડ્રગના ગુનામાં જેલમાં આવે છે. સ્પેનસર તેના કોંટેક્ટની મદદથી મોર્ટિમેરને જેલમાં જ મરાવી નાખે છે. પણ તે પહેલા બિગ અલની મદદથી ડેની મોર્ટિમેરની જુબાની ટેપરેકોર્ડરમાં રેકોર્ડ કરવામાં સફળ થાય છે પણ કોર્ટ તેના આ સાબૂતને માન્ય નથી રાખતી અને ડેનીની સજા યથાવત રહે છે.

ડેની પોતાને નિર્દોષ સાબિત કરવા પ્રયત્નશીલ છે તે જાણ્યા પછી સ્પેનસર તેના જેલના કોંટેક્ટ દ્વારા ડેનીને મારવાનો પ્લાન ઘડે છે. પણ નિક અને ડેની બંનેના દેખાવમાં રહેલી સમાનતાને લીધે ભૂલથી નિકની હત્યા કરી નાખે છે. નિકની બોડી જેલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે જ્યાં બિગ અલ કામ કરતો હોય છે. તેને જાણ થાય છે કે જેલ ઓફિસર્સ એમ સમજે છે કે ડેનીએ આત્મહત્યા કરી છે. આ વાતને મજબૂત બનાવવા બિગ અલ ડેની અને નિકની ફાઇલ બદલી નાખે છે જેથી મેડિકલ તપાસમાં પણ એજ સિદ્ધ થાય કે ડેની મૃત્યુ પામ્યો છે. ડેની પાસે નિકના વીંટી, ઘડિયાળ, કી-ચેઇન વગેરે હોવાથી અને દેખાવમાં બંને સરખા જ હોવાથી ડેની સરળતાથી નિકની જગ્યા લઇ લે છે. ઉપરાંત નિકની ડાયરી દ્વારા તે નિક વિષે ઘણું જાણી શકે છે. અને થોડા જ સમયમાં નિકની સજા પૂરી થતાં જેલમાંથી બહાર આવવામાં સફળ થાય છે.

નિકના અંકલ હયુગો નિકના દાદાએ નિક માટે છોડેલી વસિયત, દાદાના નકલી વિલ દ્વારા મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે. ઉપરાંત દાદાનો દુર્લભ ટપાલ ટિકિટનો સંગ્રહ, જેની ચાવી નિક પાસે હોય છે, તેને પણ હસ્તગત કરવા માંગતા હોય છે. પણ ડેની એક લાંબા કાનૂની જંગ બાદ કરોડો ડોલર અને મિલકત મેળવવામાં સફળ થાય છે, જે તેને પોતાના દુશ્મનો સાથે બદલો લેવામાં કામ આવે છે. 

ધનવાન બન્યા પછી પછી ડેની સ્ટેપ બાય સ્ટેપ યોજના દ્વારા સ્પેનસર ક્રેગના અન્ય બે મિત્રો, જે તે રાત્રે પબમાં સ્પેનસરના ગુનાના સાક્ષી હતા, પ્રોપર્ટી એજન્ટ ગેરાલ્ડ પેને અને એક્ટર લોરેન્સ ડવેનપોર્ટને ફસાવી સ્પેનસર સહિત ત્રણેયને આર્થિક રીતે બરબાદ કરી નાખે છે. સાથે સાથે ડેનીના વકીલ એલેક્સ અને બેથ દ્વારા ડેનીને નિર્દોષ પુરવાર કરવા અપીલ દાખલ કરવામાં આવે છે જેમાં ડેનીના સેલમેટ નિકની ડાયરી એક પુરાવા તરીકે રજૂ થવાની છે એવી જાણ સ્પેનસરને થાય છે. તેમને છેતરનાર નિક જ ડેનીનો સેલમેટ છે એ જાણ થતાં જ સ્પેનસર ચેતી જાય છે અને નિક જ ડેની છે એવું સાબિત કરી ડેનીની ધરપકડ કરવવામાં સફળ થાય છે. આ વખતે ડેની પર જેલમાંથી ભાગવાનો ગુનો ઉપરાંત બીજાની મિલકત પડાવી લેવાનો અને છેતરપિંડીનો ગુનો પણ ઉમેરાય છે. ફરી એક બીજો લાંબો કાનૂની જંગ શરૂ થાય છે અને અંતે સત્યનો વિજય થાય છે. 


* * *

જેફ્રી આર્ચરની મેં વાંચેલી 'ઓનર અમોંગ થિવ્સ', 'નોટ અ પેની મોર, નોટ અ પેની લેસ', 'પાથ્સ ઑફ ગ્લોરી' અને 'અ પ્રિઝ્નર ઑફ બર્થ'માં, 'અ પ્રિઝ્નર ઑફ બર્થ'ને ઉત્તમ કહી શકાય એવી કોર્ટરૂમ ડ્રામા નોવેલ છે. શરૂઆતમાં ડેની જે દલીલોથી દોષી પુરવાર થાય છે તે લોજિકલ લાગે એ રીતે જ કરવામાં આવી છે. અને નોવેલના અંતમાં આવતો કોર્ટરૂમ ડ્રામા જબરદસ્ત અને 'વાહ વાહ' પોકારી જવાય એવો છે. નોવેલમાં ડેનીએ બનાવેલા પ્લાન પણ સરસ છે. નિક અને ડેનીમાં રહેલી સમાનતાની વાર્તા પર એ રીતે લખાઇ છે કે એકદમ કન્વીન્સિંગ લાગે અને આપણને કલ્પના પણ ના આવે કે આ વાતનો ઉપયોગ આવી જબરજસ્ત રીતે થવાનો છે. નિકના દાદાના બીજા બિલને ખોટું સાબિત કરવાની સ્ટોરી એકદમ ઇનોવેટિવ છે અને ડેનીને નિર્દોષ સાબિત કરતી દલીલ પણ એકદમ લોગિકલ લાગે એવી રીતે કહેવાઇ છે. કોર્ટરૂમ ડ્રામા, જેલ, વાર્તામાં આવતા ટ્વિસ્ટ, બધુ જ નોવેલ ને એકદમ રોચક બનાવે છે. વારંવાર વાંચવા જેવી નોવેલ.     
    

Thursday, September 6, 2012

રેજ ઓફ એન્જલ્સ : સિડની શેલ્ડન

જેનીફર પાર્કર સુંદર યુવતી છે અને કાયદાશાસ્ત્રનો અભ્યાસ પૂરો કરીને મેનહટન ડીસ્ટ્રીકટ એટર્ની રોબર્ટ ડીસિલ્વા સાથે આસીસ્ટંટ ડીસ્ટ્રીકટ એટર્ની તરીકે જોડાય છે. નોકરીના પહેલા જ દિવસે તે માફિયા ડોન માયકલ મોરેટ્ટી વિરુદ્ધના મુખ્ય સાક્ષીને મરેલું કેનેરી પક્ષી પહોચાડવામાં અજાણતા નિમિત બની જાય છે. ડરી ગયેલો સાક્ષી જુબાની આપવાની ના પાડી દેતા રોબર્ટ ડીસિલ્વા કેસ હારી જાય છે. ગુસ્સે થયેલો રોબર્ટ ડીસિલ્વા આ માટે જેનીફરને કસુરવાર માની તેને બરતરફ કરે છે અને તેની કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી આપે છે. જેનીફરે માયકલ મોરેટ્ટી પાસેથી લાંચ લીધી છે તે પુરવાર કરવા રોબર્ટ ડીસિલ્વાના પ્રયત્નથી જેનીફર વિરુદ્ધ તપાસ શરુ થાય છે. યુવાન વકીલ આદમ વોર્નર જેનીફરની પૂછપરછ કરવા જાય છે. જેનીફર સાથેની વાતચીત પછી આદમ તેને નિર્દોષ જાહેર કરે છે. આદમ વોર્નરની મદદથી અને પોતાની કાબેલિયતથી જેનીફર કાયદાના ક્ષેત્રમા આગળ વધતી જાય છે. જેનીફર એક અજેય વકીલ તરીકે ઉભરતી જાય છે. જેનીફરની સફળતાથી પ્રભાવિત થયેલો માયકલ મોરેટ્ટી ઈચ્છે છે કે જેનીફર તેના માટે કામ કરે.

પરણેલો હોવા છતાં આદમ વોર્નર, જેનીફર સાથે પ્રેમમાં પડી જાય છે, જેનીફર તેના પ્રેમનો સ્વીકાર કરે છે. બંને અવારનવાર મળતા રહે છે અને શક્ય તેટલો સમય સાથે વીતાવે છે. સમય જતા આદમને સેનેટની ચુંટણી લડવાનો મોકો મળે છે, જેના દ્વારા આગળ જતા વ્હાઈટ હાઉસ પહોચવાની શક્યતા રહેલી હોય છે. આદમ જેનીફરને કહે છે કે તે તેની પત્ની મેરી બેથ સાથે છૂટાછેડા લેવા ઈચ્છે છે. જેનીફર અને મેરી બેથ મળે છે અને નક્કી કરે છે કે સેનેટની ચુંટણી નજીક હોવાથી, ચુંટણી પૂરી થાય પછી છૂટાછેડા લેવા. મેરી બેથ આદમને ફરીથી પામવા માટે ચાલ ચાલે છે અને આદમને છેલ્લી વાર સહશયન કરવા મનાવી લે છે, જેના પરિણામે મેરી બેથ ગર્ભવતી બને છે. આદમ સેનેટની ચુંટણી જીતી જાય છે અને તેનું આગળનું લક્ષ્ય વ્હાઈટ હાઉસ હોય છે. ગર્ભવતી પત્નીને છૂટાછેડા આપવાથી તેની કારકિર્દી પર વિપરીત અસર થઇ શકવાની બીકે આદમ છુટાછેડા ન લેવાનું નક્કી કરે છે. જેનીફરને મળીને આદમ કહે છે કે તેને સાચો પ્રેમ કરતો હોવા છતાં તે જેનીફર સાથેનો સંબંધ આગળ વધારી શકે તેમ નથી અને બંને છુટા પડે છે. જેનીફર આદમ સાથેના સંબંધથી ગર્ભવતી બની હોય છે પણ આદમને આ વાત કહેતી નથી.

જેનીફર પુત્રને જન્મ આપે છે જેનું નામ જોશુઆ રાખે છે. પુત્ર હોવાની વાત તે બધાથી છુપાવી રાખે છે. માત્ર તેનો ખાસ મિત્ર કેન બેલી જ આ વિષે જાણતો હોય છે. પુત્ર થોડો મોટો થતા તેના માટે આયાની વ્યવસ્થા કરી જેનીફર ફરી વકીલાત શરુ કરે છે અને ટૂંક સમયમાં જ સફળ વકીલ તરીકે નામના મેળવી લે છે. દરમિયાન માયકલ મોરેટ્ટી જેનીફરને પોતાના લોયર તરીકે કામ કરવા સમજાવવાના બહુ પ્રયાસો કરે છે પણ જેનીફર મક્કમતાથી ના પાડી દે છે. પરંતુ એક બનાવ એવો બને છે જેથી જેનીફર મોરેટ્ટીના અહેસાન નીચે આવી જાય છે. જેનીફરનો એક ક્રિમીનલ અસીલ જેનીફર સાથે બદલો લેવા જોશુઆનું અપહરણ કરે છે. લાચાર જેનીફર માયકલ મોરેટ્ટીની મદદ માંગે છે. માયકલ તેના પુત્રને પાછો મેળવી આપે છે. અને પછી જેનીફર માયકલ મોરેટ્ટી સાથે કામ કરવા તૈયાર થઇ જાય છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ રચાય છે.

આદમ સાથે વર્ષો પછી યોગાનુયોગ જેનીફરની મુલાકાત થાય છે, જે માયકલ મોરેટ્ટીનો એક માણસ જોઇ જાય છે. પણ આદમને તે ઓળખતો ન હોવાથી મોરેટ્ટીને કઇ કહેતો નથી.

દરિયામાં સર્ફિંગ દરમિયાન ઈજા થતા જોશુઆ મૃત્યુ પામે છે. જેનીફરને આ આઘાતમાંથી બહાર આવતા બહુ સમય લાગે છે, પણ મોરેટ્ટીના સથવારાથી તે ધીમે ધીમે સ્વસ્થ થાય છે અને ફરી કામ શરુ કરે છે. કામ માટે જેનીફર વિદેશ જાય છે. આ તરફ રોબર્ટ ડીસિલ્વા માયકલ મોરેટ્ટીને પકડવા પ્રયત્નો શરુ કરે છે. આદમનો પણ તેને સહયોગ પ્રાપ્ત થાય છે. પૂરતા પુરાવા એકઠા થતા માયકલ મોરેટ્ટી અને જેનીફરની ધરપકડની પ્રક્રિયા શરુ થાય છે. મોરેટ્ટીને તેના માણસ દ્વારા જેનીફર અને આદમના સંબંધની જાણ થાય છે. વિદેશથી પછી ફરેલી જેનીફર પર ગુસ્સે થયેલો મોરેટ્ટી તેને દગાબાજ માની લે છે અને તેને લાગે છે કે જેનીફર આદમ સાથે મળીને તેને પકડવાનું ષડયંત્ર રચી રહી છે. તેમના વચ્ચે ઉગ્ર વાતચીત ચાલતી હોય છે તે દરમિયાન જ ફેડરલ એજન્ટો તેમના રૂમમાં પ્રવેશે અને મોરેટ્ટી જેનીફર ઉપર ગોળી ચલાવે છે. પોલીસ મોરેટ્ટીને ગોળીઓથી વીંધી નાખે છે.

ગંભીર રીતે ઘાયલ જેનીફરને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવે છે. આદમ તેને જોવા હોસ્પિટલ જાય છે. જેનીફરને ચાહતો હોવા છતાં અમેરિકાનો પ્રમુખ બનવા જઇ રહ્યો હોવાથી તેના માટે કઇ કરી શકે તેમ નથી. સારવારને અંતે જેનીફર બચી જાય છે.

આદમ અમેરિકાનો પ્રમુખ બને છે અને જેનીફર ફરી એક વાર સર્વસ્વ ગુમાવીને ફરીથી નવી શરૂઆત કરવા તરફ આગળ વધે છે.

આખી વાર્તા એક થ્રીલર છે. વાર્તામાં આવતા કોર્ટ રૂમ ડ્રામા સરસ રીતે લખાયા છે. વાર્તાનો અંત એકદમ કરુણ છે.


Saturday, September 1, 2012

સોનેરી ધૂમકેતુનો પીછો - જુલે વર્ન (અનુવાદ હરિશ નાયક)

વાર્તા એક સાયન્સ ફ્રીક્સન છે. અમેરિકાના વર્જિનિયા પ્રદેશમાં વ્હેસ્ટન નગર આવેલું છે, જેમાં બે ખગોળશાસ્ત્રીઓ - ડીન ફોરસીથ અને ડો. સિડની હડલ્સન - રહે છે. બંને આમ તો મિત્રો હોય છે પણ શોધ-સંશોધનની વાત હોય તો કટ્ટર હરીફ બની જાય છે.

એક દિવસ એક ધૂમકેતુ આકાશમાંથી પસાર થાય છે, જેને બંને ખગોળશાસ્ત્રી પોતાના ટેલીસ્કોપમાંથી જુએ છે અને તે ધૂમકેતુને પ્રથમ વાર જોનાર વ્યક્તિ પોતે હોવાનો દાવો કરે છે. નવા ધૂમકેતુની શોધના લીધે બંને ખગોળશાસ્ત્રી પ્રખ્યાત થઇ જાય છે અને લોકોમાં ખુબ સન્માન પામે છે. તેમ છતાં બંને એક બીજા તરફ તો તુચ્છકારથી જ જુવે છે. ત્યારબાદ કુશળ ખગોળશાસ્ત્રીઓ દ્વારા ફોરસીથ-હડલ્સન ધૂમકેતુનો આધુનિક સાધનો દ્વારા વધુ અભ્યાસ થાય છે અને જાણવા મળે છે કે ધૂમકેતુ સોનાનો બનેલો છે અને પૃથ્વીની આસપાસ નિયમિત કક્ષામાં પ્રદક્ષિણા કરે છે. સોનાનો ધૂમકેતુ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો હોવાની વાતથી આખી દુનિયામાં ઉત્તેજના ફેલાઇ જાય છે.

ફોરસીથના ભાણીયા ફ્રાન્સીસના લગ્ન, હડલ્સનની પુત્રી જેની સાથે નક્કી થયા હોય છે, પણ બંને ખગોળશાસ્ત્રીમાં દુશ્મની ઉભી થતા લગ્ન મોકૂફ થઇ જાય છે.

ઝેફરીન ઝીરદાલ એક ધૂની વૈજ્ઞાનિક છે જે તેને રસ પડે તે દરેક ક્ષેત્રમાં સંશોધન કરતો રહે છે અને અવનવી શોધો કર્યા કરતો હોય છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરતા ધૂમકેતુ વિષે જાણીને તેના ધૂની મનમાં વિચાર આવે છે કે ધૂમકેતુને ધરતી ઉપર ઉતારવો જોઈએ.

ધૂમકેતુ વિશે ચોકસાઈથી અભ્યાસ કરીને તે ધૂમકેતુની ગતિ, દિશા, દળ વગેરેની માહિતી મેળવી લે છે. ત્યારબાદ પોતે બનાવેલા એક સાધન (જે કિરણો ફેકીને ઉર્જાને કેન્દ્રિત કરી તેની પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે) દ્વારા ધૂમકેતુ ઉપર કિરણો ફેકીને તેની શું અસર પડે છે તે તપાસવાનું શરુ કરે છે. અને સાધન ચાલુ રાખીને પોતાના પ્રયોગમાં જરૂરી બીજી વસ્તુઓ લેવા બજારમાં જાય છે, જ્યાં તેનો એક મિત્ર મળી જાય છે જેની સાથે ફરવા જતો રહે છે. ભૂલકણા સ્વભાવને લીધે ભૂલી જાય છે કે તે કોઈ પ્રયોગ કરી રહ્યો હોય છે. તેનું સાધન ધૂમકેતુ ઉપર અસર કરવા માંડે છે અને ધૂમકેતુ અનિયમિત રીતે ફરવા લાગે છે. ખગોળશાસ્ત્રીઓ આગાહી કરે છે કે ધૂમકેતુ પૃથ્વી પર પાડવાનો છે પણ ક્યાં અને ક્યારે એ કહી ના શકાય તેવી અનિયમિત ગતિ અને ભ્રમણકક્ષામાં ધૂમકેતુ ફરી રહ્યો છે.

ફરવા ગયેલા ઝીરદાલને સાધનની વાત યાદ આવતા તે પાછો આવે છે અને સાધનની ધૂમકેતુ પર થયેલી અસરથી ખુશ થઇ જાય છે. તેના સાધનથી ધૂમકેતુની ગતિ અને દિશામાં ફેરફાર કરી શકાય છે તે સાબિત થઇ જાય છે. ઝીરદાલ પોતાના બેન્કર કાકા રોબર્ટ લસરને કહે છે કે તે પૃથ્વીના કોઈ એવા હિસ્સામાં જમીન લેવા માંગે છે જ્યાં જમીન એકદમ સસ્તી હોય અને ત્યારબાદ સોનેરી ધૂમકેતુને તે જમીન ઉપર પાડવા માંગે છે. ભત્રીજાની કાબેલિયતથી માહિતગાર કાકા તેના પર વિશ્વાસ મૂકી તે માટે મદદ કરવા તૈયાર થઇ જાય છે અને ગ્રીનલેન્ડના ઉપરનવિક ટાપુ પર એક મોટો ટુકડો જમીન ખરીદે લે છે. આ જ જમીન પર નિશ્ચિત સમયે ધૂમકેતુ પડી શકે તે રીતની તેની ગતિ અને દિશા નિર્ધારિત કરવા ઝીરદાલ પોતાના સાધનની મદદથી ધૂમકેતુ પર કિરણો ફેકે છે. ધૂમકેતુ પડવાનો સમય નજીક આવતા ઝીરદાલ અને તેના કાકા ગ્રીનલેન્ડ જવા નીકળી જાય છે.

ગ્રીનલેન્ડના ઉપરનવિક ટાપુ પર ધૂમકેતુ પડવાનો છે એવા સમાચાર સમગ્ર વિશ્વમાં ફરી વળતા ઠેર ઠેરથી લોકો ગ્રીનલેન્ડ તરફ આવવા લાગે છે, જેમાં ધૂમકેતુને પ્રથમવાર જોનાર ખગોળશાસ્ત્રી ફોરસીથ અને હડલસન તથા ફ્રાન્સીસ અને જેની પણ સામેલ હોય છે.

સોનાનો ધૂમકેતુ ધરતી પર આવી રહ્યો હોવાથી ગોલ્ડ માઇનના શેરો તળિયે બેસી જાય છે.

ધૂમકેતુ ઝીરદાલની જમીન પર જ દરિયા કિનારાની નજીકની એક ટેકરી પર પડે છે. ધૂમકેતુને જોવા લોકોના ટોળાં ભેગા થવા માંડે છે. ઝીરદાલની અંગત માલિકીની જમીનની પણ લોકો અને સ્થાનિક વહીવટી અમલદાર દરકાર નથી કરતા. ધીરે ધીરે દુનિયાના બીજા દેશોના સૈનિકો પણ ધૂમકેતુની ફરતે ગોઠવતા જાય છે.

ધૂમકેતુ માટે લડતા લોકોને જોઇને ઝીરદાલ દુખી અને ગુસ્સે થઇ જાય છે. વળી તેને એ પણ ખબર પડે છે કે ધૂમકેતુને પ્રથમવાર જોનાર ખગોળશાસ્ત્રીઓના સંતાનો એક બીજાને પ્રેમ કરતા હોવા છતાં આ ધૂમકેતુને લીધે જ પરણી નથી શકતા. આથી ઝીરદાલ ઈચ્છે છે કે ધૂમકેતુને જ દરિયામાં પધરાવી દેવો જોઈએ. વેપારી માનસિકતા ધરાવતા ઝીરદાલના કાકાને ઝીરદાલની આ ઈચ્છાની ખબર પડતા જ તેઓ તળિયે ગયેલા ગોલ્ડ માઇનના જેટલા મળે તેટલા શેર ખરીદી લે છે. દરમ્યાન ઝીરદાલ પોતાના સાધનની મદદથી ધૂમકેતુ પર એ રીતના કિરણો ફેકે છે કે જેથી ધૂમકેતુ વિચલિત થઇ દરિયા તરફ ગબડી પડે છે અને દરિયામાં ઊંડે ડૂબી જાય છે. ધૂમકેતુ જ ન રહેતા ખગોળશાસ્ત્રીઓ ફરીથી મિત્રો બની જાય છે. ઝીરદાલના કાકા લસર ગોલ્ડ માઇનના શેરોના લીધે ધનવાન બની જાય છે. ફ્રાન્સીસ અને જેની પરણી જાય છે અને ઝીરદાલ ફરી પોતાની ધૂની દુનિયામાં ખોવાઈ જાય છે.

પ્રાચીન કાળથી પૃથ્વી પર ઉલ્કાઓ પડ્યા કરે છે અને ઘણી જગ્યાએ તેને ઈશ્વરીય કે સ્વર્ગીય પદાર્થ માનીને લોકો પૂજતા આવ્યા છે. આ તરફ નિર્દેશ કરતા લેખકે લખ્યું છે કે - "ખ્રિસ્તી યુગ પહેલા પણ આવા ગોળાઓ બ્રમ્હાંડની અજાણી દિશામાંથી પૃથ્વી પર ઝીંકાયા છે. ત્યારે તેમને સળગતા દોડતા પૂછડિયા પથ્થરો તરીકે જ ઓળખવામાં જ આવતા. ગેલેટીયાના સાયબેલમાં પડેલા આવા બળબળતા ગોળાનો ઉલ્લેખ છે, જેને પાછળથી રોમ અને સીરિયા લઇ જવામાં આવ્યા હતા. એ  ઈશ્વરીય ચિહ્નો પછી તો 'સૂર્ય' સ્વરૂપે જ પૂજાતા રહ્યા. મક્કામાં જે કાળા પથ્થરની પૂજા થાય છે એ પવિત્ર પથ્થર પણ ન્યુમાના શાસનકાળ દરમિયાન પૃથ્વીને ભેટ મળેલ  ઈશ્વરીય પદાર્થ જ મનાય છે ને ! અંથમારની તલવાર આવી અવકાશી ભેટનું જ એક વક્રાકાર રૂપ હશે !"

('The Chase of the Golden Meteor'નો અનુવાદ 'સોનેરી ધૂમકેતુનો પીછો'ના નામે થયો છે. ખરેખર તો Meteror એટલે ઉલ્કા કહેવું વધારે યોગ્ય છે.)


Thursday, August 30, 2012

પેડલ પર પૃથ્વી પરકમ્મા : મહેન્દ્ર દેસાઈ 

ઈ.સ.૧૯૨૩ મુંબઈમાં રહેતા ૩ પારસી યુવાનોએ સાયકલ પર પૃથ્વીની પ્રદક્ષિણા કરેલી, એ સત્ય ઘટનાનું વર્ણન કરતુ પુસ્તક એટલે 'પેડલ પર પૃથ્વી પરકમ્મા'. મુંબઈમાં રહેતા છ પારસી યુવાનો - જાલ બાપાસોલા, અદિ હકીમ, રૂસ્તમ ભમગરા, ગુસ્તાદ હાથીરામ, નરીમાન કાપડિયા અને કેકી પોચખાનવાલા નક્કી કરે છે કે આપણે ભારતનું નામ દુનિયામાં રોશન કરવું. તે માટે છયે જણા સાયકલ દ્વારા દુનિયાની પ્રદક્ષિણા કરવાનું નક્કી કરે છે અને ૧૫ ઓક્ટોબર, ૧૯૨૩ની સવારે નીકળી પડે છે. મુંબઈથી દિલ્હી, પંજાબ, બલુચિસ્તાન થઈને ડૂકી પાસ ઓળંગી ૨૦ જાન્યુઆરી, ૧૯૨૪ ના રોજ બ્રિટીશ ભારતની છેલ્લી ચોકી વરેછા પહોચે છે. પારસી ધર્મની માતૃભૂમિ ઈરાન પસાર કરતા તેઓ તેહરાન પહોચે છે. જરાથ્રુસ્થના શહેર યઝદમાં નવરોજ ઉજવે છે. નરીમાન કાપડિયા તેહરાનથી પાછો વળી જાય છે. બાકીના બગદાદ તરફ આગળ વધે છે. બગદાદથી અલેપ્પો વચ્ચેનું મેસ્પોટનું રણ ૨૩ દિવસમાં ઓળંગી એક વિક્રમ નોંધાવે છે. મેસ્પોટના રણમાં તેમને રેતીના સરકતા ઢુવા, ઉચું તાપમાન, સેન્ડ ફ્લાય ફીવર વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પણ બેદુઇન લોકોની મદદથી રણ પાર કરી જાય છે.

દમાસ્કસ પહોચતા તેમને વચ્ચે મતભેદ ઉભા થાય છે અને તેઓ બે અલગ જુથમાં વહેચાઈને આગળ વધે છે. ગુસ્તાદ, અદિ અને કેકી એક જુથમાં તથા જાલ અને રૂસ્તમ બીજા જુથમાં. અલગ અલગ જુથમાં પ્રવાસ કરતા તેઓ જેરુસલેમ, કેરો થઈ એલેક્ઝાન્દ્રિયા પહોચે છે. જ્યાંથી સ્ટીમર દ્વારા ઇટલીના બ્રીન્દ્સી બંદરે પહોચે છે. ત્યાંથી રોમ થઇ બરફના તોફાન વચ્ચે આલ્પ્સ ઓળંગે છે. યુરોપ પસાર કરતા કરતા લંડન પહોચે છે અને ત્યાંથી ન્યુયોર્ક સ્ટીમરમાં પહોચે છે.

માર્ગમાં આવતા ઘણા શહેરો અને ગામોમાં તેમને મિશ્ર પ્રતિસાદો મળે છે. ક્યાંક બહુ પ્રસિદ્ધિ પણ મળે છે. સફર દરમ્યાન થતા ખર્ચને પહોચી વળવા પોતાની સફર દરમ્યાન પાડેલા ફોટોના કાર્ડ વેચે છે અથવા અંગ-કસરતના દાવોનું પ્રદર્શન કરે છે. ઘણી જગ્યાએ સ્થાનિકોનો ખુબ સહયોગ મળે છે અને ઘણી જગ્યાએ ભારતીય લોકોના સમૂહ સન્માન કરીને નાણાંની થેલી પણ અર્પણ કરે છે. ડનલોપ કંપની આખા પ્રવાસ દરમ્યાન જ્યાં જ્યાં તેમની એજન્સી હોય ત્યાંથી તેમને જરૂર હોય ત્યારે મફત ટાયર-ટ્યુબ પુરા પડે છે. માર્ગમાં આવતા મહત્વના સ્થળોએ સ્થાનિક વહીવટદાર કે અમલદારની સહી પોતાના રજીસ્ટરમાં લેતા રહે છે જેથી યાત્રાનો ઓફિસિયલ રેકોર્ડ રાખી શકાય.

ન્યુયોર્ક પહોચીને ગુસ્તાદ નક્કી કરે છે કે અમેરિકામાં જ નોકરી શોધી સ્થાઈ થઇ જવું. અદિ અને કેકીથી તે અલગ થઇ જાય છે. દમાસ્કસથી અલગ થયેલા જાલ અને રૂસ્તમ પણ ન્યુયોર્ક પહોચે છે અને અદિ તથા કેકીને મળે છે. ચારેય ભેગા થઇ રૂસ્તમને મનાવવાની કોશિશ કરે છે પણ રૂસ્તમ તેમને મળવા જ નથી માંગતો. કેકીને સફર દરમ્યાન સમાચાર મળે છે કે તેની માં ખુબ બીમાર છે અને કેકી ને જ યાદ કર્યા કરે છે. ન્યુયોર્કથી કેકી સ્ટીમર પકડી મુંબઈ પાછો ફરે છે. બાકીના ત્રણ - અદિ, જાલ અને રૂસ્તમ - અમેરિકામાં પ્રવાસ આગળ ધપાવે છે. ૧૫ ઓક્ટોબરે 'પ્રવાસ આરંભની ત્રીજી વરસી નિમિતે' તેઓ ૧૬ કલાકમાં ૧૭૧ માઇલ કાપવાનો વિક્રમ બનાવે છે. સાનફ્રાન્સિસ્કોથી સ્ટીમરમાં જાપાન પહોચે છે. ત્યાંથી કોરિયા અને મંચુરિયા પહોચે છે. સ્થાનિકો દ્વારા વિદેશીઓ પ્રત્યેના ધિક્કારને લીધે ઘણા દિવસો ભૂખ્યા પણ રહે છે. ગોબીનું રણ પસાર કરીને (સાયકલ પર પસાર કરનાર પ્રથમ) કેન્ટોન પહોચે છે. ત્યાંથી શાંઘાઈ, હોંગકોંગ થઇ વિયેતનામ, થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોચે છે. ત્યાંથી બર્મા, ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં થઈને કલકત્તા પહોચે છે. જ્યાં માત્ર થોડા બાળકો દ્વારા જ સ્વાગત થતા નિરાશ થઇ જાય છે પણ પછી ધીરે ધીરે સમગ્ર શહેરમાં ખબર ફરી વળે છે અને જોરદાર સ્વાગત થાય છે. ત્યાંથી ઓરિસ્સા, મદ્રાસ થઇ કોલોમ્બો પહોચે છે. ત્યાંથી ૧૮ માર્ચ, ૧૯૨૮ ના રોજ મુંબઈ પહોચે છે. જ્યાં તેમનું જોરદાર સ્વાગત થાય છે અને સરઘસ રૂપે આખા શહેરમાં ઠેર ઠેર સન્માન થાય છે.

યાત્રા દરમ્યાન તેઓ ૪ વર્ષ ૫ મહિના અને ૩ દિવસમાં કુલ ૪૪૦૦૦ માઇલ જેટલું અંતર કાપે છે. અને તેમના નામે કેટલાક વિક્રમો નોંધાવે છે જેમ કે -
- સાયકલ દ્વારા વિશ્વ પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય
- પ્રથમ વખત મેસ્પોટ, સીરિયા, સિનાઇનું રણ વટાવનાર
- વિશ્વ માટે અલિપ્ત, અવાવરું કોરિયા પ્રથમ વખત વીંધી નીકળનાર
- ૧૬ કલાકમાં ૧૭૧ માઇલ અંતર સાયકલ પર પ્રથમ વખત કાપનાર

વિષય ખુબ ઈન્ટરેસ્ટીંગ છે પણ પુસ્તક વિષય જેટલું મજેદાર નથી બની શક્યું. વર્ણન ઘણી જગ્યા એ અપૂરતું લાગે અને લખાણની શૈલી અસરકારક નથી અને રજૂઆત પણ ખુબ અસ્તવ્યસ્ત છે.


Monday, August 27, 2012

ધ ફાયનલ ડાયગ્નોસીસ : આર્થર હેઈલી 

બર્લીંગટન (પેન્સીલ્વેનીયા)માં આવેલી 'થ્રી કાઉન્ટીઝ' હોસ્પિટલ, સાવ નીચી કક્ષાએ પહોચેલી હોસ્પિટલ છે. વ્યવસ્થાતંત્ર નબળું અને મેડીકલ સ્ટાન્ડર્ડ નીચલા સ્તરે પહોચી ગયું છે. હોસ્પિટલ ઇન્ટર્નો અને રેસીડેન્ટનો ટ્રેઈનીંગ પ્રોગ્રામ નકામો થઇ ગયો છે. રીસર્ચ માટે કોઈ બજેટ ફાળવતું નથી.

હોસ્પિટલ બોર્ડના ઉમરલાયક, વૃદ્ધ ચેરમેનનું અવસાન થતા નવા ચેરમેન તરીકે ઓર્ડેન બ્રાઉનની નિમણુક કરવામાં આવે છે. ઓર્ડેન બ્રાઉન હોસ્પિટલનું સ્તર ઉપર લાવવા માંગે છે. તે માટે હોસ્પિટલમાં મોટા પાયે બદલાવ કરવાની જરૂર તેને લાગે છે. બોર્ડના જુના અને નિષ્ક્રિય સભ્યો દ્વારા તેને વિરોધનો સામનો પણ કરવો પડે છે. આવા જુના સભ્યોને દુર પણ કરી શકાય એમ નથી કેમ કે તેમની વસિયતમાં હોસ્પીટલના નામે મોટી રકમ લખાયેલી હોય છે, જેની હોસ્પિટલને ઘણી જરૂર હોય છે. યુસ્ટેસ સ્ટેઇન આવો જ એક ધનવાન બોર્ડ મેમ્બેર છે.

ઓર્ડેન બ્રાઉન, કેન્ટ ઓ'ડેનેલને હોસ્પિટલ મેડીકલ બોર્ડના પ્રેસિડેન્ટ અને સર્જરી વિભાગના વડા તરીકેનો હોદ્દો સ્વીકારવા ઓફર કરે છે, જેને યુવાન, ઉત્સાહી અને કાર્યદક્ષ કેન્ટ એક ચેલેન્જ તરીકે સ્વીકારી લે છે.

પછી શરુ થાય છે હોસ્પીટલના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાની પ્રક્રિયા. ધીમે ધીમે દરેક વિભાગના જુનવાણી અને બિનકાર્યક્ષમ લોકોને બદલે નવા કાર્યક્ષમ લોકો આવતા જાય છે અને હોસ્પિટલ ફરી ગુમાવેલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતી જાય છે.

પણ હજુ પણ એક વિભાગ એવો છે જેની કાર્યક્ષમતા પુરતી નથી અને તેની કાર્યપ્રણાલીમાં પરિવર્તનની જરૂર છે. તે વિભાગ છે પેથોલોજી. પેથોલોજી વિભાગના વડા (ડીરેક્ટર ઓફ પેથોલોજી) ડો. જોસેફ પીઅરસન જુનવાણી વિચારધારા ધરાવતા પ્રૌદ્ધ વ્યક્તિ છે અને આધુનિક ટેકનોલોજીના બદલે વર્ષો જૂની ટેકનોલોજીમાં જ વધારે વિશ્વાસ ધરાવે છે. તેમનું માનવું છે કે નવી નવી શોધ તો થતી જ રહેશે, તે બધી શોધોને આપણે અમલમાં મુકીશું તો રોજ નવા બદલાવ કરવા પડશે, અને બધી નવી શોધો ઉત્તમ જ છે એવું પણ માની શકાય એમ નથી કેમ કે બધી નવી શોધોની પૂરી રીતે ચકાસણી શક્ય પણ નથી. જો પીઅરસન વર્ષોના અનુભવી છે અને એમનું નિદાન પણ ચોક્કસ હોય છે, વળી તે બોર્ડ મેમ્બર યુસ્ટેસ સ્ટેઇનના ખાસ મિત્ર પણ છે. આથી જ તેમના વિરુદ્ધ કોઈ પગલા લેતા પહેલા ખુબ સાવધાની રાખવી જરૂરી છે. છતાં પણ હોસ્પીટલના બીજા વિભાગો તરફથી, પેથોલોજી વિભાગ દ્વારા અપાતા રીપોર્ટમાં થતા લાંબા વિલંબની ફરિયાદ અવગણી શકાય એમ નથી. કેન્ટ ઈચ્છે છે કે પેથોલોજીમાં જો પીઅરસનને એક સહાયક (આસીસ્ટંટ  પેથોલોજીસ્ટ) આપવામાં આવે જે પીઅરસનના કામને વહેચી લે, પણ પીઅરસન તેને પોતાની એકહથ્થુ સત્તામાં કાપ તરીકે જુવે છે.

જોસેફ પીઅરસન, ડીરેક્ટર ઓફ પેથોલોજી, જૂની કાર્યપદ્ધતિને છોડી ન શકતા અને આધુનિક ટેકનોલોજીને સ્વીકારી ન શકતા એક ઉમરલાયક વ્યક્તિ હોવા છતાં પોતાની ભૂલ હોય અથવા નિદાનને લગતો કોઈ સાચો અભિપ્રાય કોઈ અન્ય દ્વારા અપાય તો તે સ્વીકારવાની ખેલદિલી ધરાવતા એક અનુભવી ડોક્ટર છે. તેમનું અનુભવ આધારિત નિદાન એકદમ સચોટ હોય છે. પરંતુ બદલાતા સમય સાથે કદમ મેળવી નથી શકતા.

તેમના હાથ નીચે પેથોલોજી રેસીડેન્ટ ડો. રોજર મેકનીલ અને સર્જીકલ રેસીડેન્ટ માઇક સીડોન્સ, તેમને તેમના કાર્યમાં સહાય કરતા હોય છે. સીનીયર લેબ ટેક્નીશીયન કાર્લ બેનિસ્તર ટીપીકલ સરકારી નોકરિયાત જેવો છે. કોઈ ડીગ્રી ન ધરાવતો અને માત્ર અનુભવના લીધે આ પદ પર હોવાથી તેનું ટેકનીકલ જ્ઞાન અપૂરતું અને ઉપરછલ્લું હોય છે. પરિવર્તનના ભાગરૂપે જ્હોન એલેઝાંડરની લેબ ટેક્નીશીયન તરીકે અને ડો. ડેવિડ કોલમેનની આસીસ્ટંટ પેથોલોજીસ્ટ તરીકે નિમણુંક પછી બંને દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નિદાન ઝડપી અને સચોટ બનાવવાની તરફેણ થાય છે અને જો પીઅરસન સાથે ટકરાવ પણ શરુ થાય છે.

બ્લડ ટેસ્ટને લગતી આધુનિક ટેકનોલોજીના વિરોધના લીધે લેબ ટેક્નીશીયન જ્હોન એલેઝાંડરની પત્ની એલીઝાબેથના બ્લડ ટેસ્ટમાં ગંભીર ક્ષતિ રહી જવાથી તેમના નવજાત બાળકના રોગનું સમયસર નિદાન થઇ શકતું નથી. બ્લડ ટેસ્ટ ફરીથી કરાતા તે પોઝીટીવ આવે છે અને જો પીઅરસન આ ગંભીર ભૂલ માટે જવાબદાર ઠરે છે. સામે પક્ષે હોસ્પીટલની કેન્ટીન દ્વારા દુષિત ખોરાકના લીધે ફેલાઈ રહેલા ટાઇફોઈડને કાબુમાં લેવા ટાઇફોઈડના વાહકને શોધવાની જરૂર ઉભી થાય છે. જો પીઅરસન અને તેમનો સ્ટાફ રાત દિવસ એક કરી બધા હોસ્પિટલ સ્ટાફના ટેસ્ટ કરી ટાઇફોઈડના વાહકને ગણતરીના દિવસોમાં શોધી કાઢે છે, જે તેમના પરિશ્રમનું જમા પાસું છે. નર્સ વીવીઅનના સચોટ નિદાનમાં પણ તેમનું જ યોગદાન હોય છે.

અંતે જોસેફ પીઅરસન રાજીનામું આપીને નવા આવેલા કોલમેન માટે જગ્યા કરી આપે છે અને યુસ્ટેસ સ્ટેઇનને હોસ્પિટલમાં ગરીબ વિદ્યાર્થી માટે સ્કોલરશીપ શરુ કરવા આગ્રહ કરે છે, યુસ્ટેસ સ્ટેઇન તે માટે બજેટ પૂરું પડે છે અને તે સ્કોલરશીપ સાથે જોસેફ પીઅરસનનું નામ જોડવાનું સુચન કરે છે, જેને કેન્ટ સહર્ષ સ્વીકારી લે છે.

આખી વાર્તા એક હોસ્પિટલ પોલીટીક્સ છે જેમાં કેન્દ્ર સ્થાને પેથોલોજી વિભાગ છે. પેથોલોજી એક એવો વિભાગ છે જે દર્દીના પ્રત્યક્ષ સંપર્કમાં ન આવતો હોવા છતાં દર્દીના રોગના નિદાનમાં નિર્ણાયક ભાગ ભજવે છે.

આખી વાર્તા એકદમ સરળ છે. કશું અણધાર્યું, અચાનક નથી બનતું. કોઈ ટ્વિસ્ટ નથી. છતાં જકડી રાખે તેવી રીતે લખાઇ છે. મેડીકલ વ્યવસાયને લગતી વાર્તા હોવા છતાં નોન-મેડીકલ લોકોને પણ સમજવામાં તકલીફ ન પડે તે રીતે ટેકનીકલ વાતો કહેવાઈ છે. વિદ્યાર્થી નર્સ વીવીઅન લોબર્ટનના પગની ઓર્થોપેડિક શસ્ત્રક્રિયાનું વર્ણન હોય કે મૃત્યુનું કારણ જાણવા શબ ઉપર કરવામાં આવતી ઓટોપ્સીનું વર્ણન હોય કે પછી નવજાત શિશુ ઉપર કરાતા બ્લડ એક્ષ્ચેન્જ ટ્રાન્સફ્યુસનનું વર્ણન હોય, બધું અદભુત ડીટેઇલીંગ સાથે સરળતાથી સમજાવ્યું છે. સમગ્ર વાર્તા દરમ્યાન તમે હોસ્પીટલમાં ફરવા હોવ એવો અનુભવ થયા વગર ના રહે. વાર્તા વાંચ્યા પછી હોસ્પિટલ અને મેડીકલને લગતા નોલેજમાં વધારો થાય એવી એજ્યુકેટીવ નોવેલ છે.


Wednesday, August 1, 2012

જુલે વર્ન ની પ્રવાસ-સાહસ કથા : મિખાઈલ સ્ટ્રગોવ

રશિયાના શાસક ઝારને બાતમી મળે છે કે તાર્તાર સરદાર ફોફર ખાનની આગેવાની હેઠળ તાર્તારો પૂર્વ રશિયાના ઈર્કુટશ્ક શહેર તરફ આગળ વધી રહ્યા છે અને ઈર્કુટશ્ક ને જીતી સમગ્ર સાઇબેરીયા પ્રદેશમાં કબજો જમાવવા માંગે છે. તેના આ કાર્યમાં તેને રશિયાનો બાગી, પૂર્વ કર્નલ ઇવાન ઓગરેવ મદદ કરી રહ્યો છે. રશિયન સૈન્યમાં કર્નલ રહી ચુકેલો હોવાથી ઇવાન રશિયાની ભૂગોળ, લશ્કર વગેરેથી સારી રીતે માહિતગાર છે અને તેની દોરવણી હેઠળ જ તાર્તારો આગળ વધી રહ્યા છે. ઇવાનની મદદથી તાર્તારો પૂર્વ અને પશ્ચિમ રશિયા વચ્ચેની ટેલીગ્રાફ લાઇન તોડી નાખે છે. ઇવાન ઈર્કુટશ્ક શહેરના ગવર્નર અને ઝારના ભાઈને જીતવા માટે એક ગુપ્ત યોજના બનાવી રહ્યો હોય છે.

આ માહિતી ઈર્કુટશ્ક શહેર પહોચાડવા ઝાર પોતાના સંદેશવાહક મિખાઈલ સ્ટ્રગોવને મોસ્કોથી મોકલે છે. મિખાઈલને રસ્તામાં નાદિયા મળે છે જે પોતાની માતાના અવસાન બાદ પોતાના પિતા પાસે ઈર્કુટશ્ક જતી હોય છે. બંને સાથે મળીને સાઇબેરીયા તરફ આગળ વધે છે. માર્ગમાં તેઓ ટ્રેન, સ્ટીમર, ઘોડાગાડી, ઘોડો, પગપાળા, તરાપો વગેરે દ્વારા આગળ વધે છે. બે પત્રકારો હેરી બલાઉન્ટ અને આલ્સીડ જોલીવેટ પણ આ જ રસ્તે આગળ વધી રહ્યા હોય છે અને વચ્ચે વચ્ચે તેઓ મિખાઈલને મળતા રહે છે. માર્ગમાં તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.

માર્ગમાં નાદિયા અને મિખાઈલ છુટા પડી જાય છે અને પહેલા નાદિયા અને પછી મિખાઈલ તાર્તારોના હાથમાં પકડાય છે. ઇવાનને ખબર પડે છે કે મિખાઈલ પોતાના વિશેનો સંદેશો ઝારના ભાઈને આપવા જઇ રહેલો સંદેશાવાહક છે. તે મિખાઈલ પાસેથી ઝારનો સંદેશો લઇ લે છે અને પોતે ઝારના સંદેશાવાહક તરીકે જવાની યોજના બનાવે છે. મિખાઈલ અને નાદિયા તક મળતા ભાગી છુટે છે અને ઈર્કુટશ્ક તરફની સફર આગળ વધારે છે. મિખાઈલ અને નાદિયા ઈર્કુટશ્ક પહોચે એ પહેલા ઇવાન ત્યાં પહોચી ઝારના ભાઈ ગવર્નરનો વિશ્વાસ જીતી લે છે અને તાર્તારો સાથેની લડાઈમાં ઝારનો માર્ગદર્શક બની જાય છે. પણ ઇવાન પોતાના ગુપ્ત પ્લાનમાં સફળ થાય એ પહેલા મિખાઈલ ત્યાં પહોચી જાય છે અને તેના પ્લાન નિષ્ફળ બનાવી દે છે. રશિયા તાર્તારો ને હરાવી ભગાડવામાં સફળ થાય છે.   


Saturday, July 28, 2012

ધ સેવન્થ  સિક્રેટ - ઇરવીંગ વોલેસ 


હિટલરની જીવનકથા લખી રહેલા ઇતિહાસકાર હેરીસન એશક્રોફટ ઈચ્છે છે કે તેમનું પુસ્તક અંતિમ શબ્દ બની રહે. પશ્ચિમ જર્મનીથી એક ડેન્ટીસ્ટ તેમને પત્ર લખી જણાવે છે કે તેની પાસે પુરાવા છે કે હિટલરે આત્મહત્યા નહોતી કરી અને તે વિશ્વ યુદ્ધ પછી પણ જીવિત બચી ગયો છે. આ બાબતમાં તપાસ કરવા તે પશ્ચિમ જર્મની જાય છે અને રહસ્યમય રીતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.

એશક્રોફટના મૃત્યુના સમાચાર ચાર વ્યક્તિને પશ્ચિમ જર્મની ખેચી લાવે છે. 

એશક્રોફટની પુત્રી એમિલી, જે તેમની સાથે હિટલરની જીવનકથા લખવામાં સહાયક તરીકે કામ કરતી હતી, તે પિતાનું અધૂરું કામ પૂરું કરવાના ઉદ્દેશ્યથી જર્મની આવે છે.

આર્કિટેક્ટ રેક્સ ફોસ્ટર, જે હિટલરના સમયની ઈમારતો પર પુસ્તક લખી રહ્યો હોય છે. આ વિષયમાં ખૂટતી કડી મેળવવા તે પ્રો. એશક્રોફટને મળવાનો હોય છે પણ તેમનું મૃત્યુ થતા તેની બધું આયોજન પડી ભાંગે છે. અને એશક્રોફટનું અધૂરું કામ તેમની પુત્રી એમિલી પૂરું કરી રહી છે તે જાણ્યા પછી તે પણ એમીલીની પાછળ જર્મની આવે છે.

મ્યુઝીયમનો ક્યુરેટર કીરવોવ, જે પોતે અંગત રીતે હિટલરે દોરેલા ચિત્રોનો સંગ્રાહક હોય છે. તેના હાથમાં હિટલરનું કહેવાતું એક ચિત્ર આવે છે જેમાં હિટલરની સહી ન હોવાથી તે તેની ખરાઈ કરવાના ઉદ્દેશ્યથી જર્મની આવે છે.

ઇઝરાયલની જાસુસી સંસ્થા મોસાદની એજન્ટ તોવાહ લેવિન. મોસાદને એમીલીના હિટલર બાબતના સંસોધનમાં રસ હોવાથી મોસાદના મોકલવાથી એમિલી પાછળ જર્મની આવે છે.

આ ચાર જણ જર્મનીમાં ભેગા થાય છે અને હિટલરના મૂળ સુધી પહોચવા પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે અને છેલ્લે તેમના પ્રયત્નો તેમને એક રહસ્ય તરફ દોરી જાય છે.

ઇરવીંગ વોલેસની કલમે લખાયેલી એક જબરજસ્ત થ્રીલર.